મુંબઈ: ૨૫ માર્ચ, ૨૦૨૬ મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં ગઈકાલે, ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ યમુના છઠ’ એટલે કે શ્રી યમુના મહારાણીના પ્રાકટ્ય દિવસની અત્યંત દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ, સંઘવી પરિવારના નિવાસસ્થાને બિરાજતા શ્રી યમુનાજી નો આ ૨૮મો પાટોત્સવ વિલે પાર્લેના સુપ્રસિદ્ધ જલારામ હોલ ખાતે અત્યંત ભવ્યાતીત અને ભક્તિમય માહોલમાં યોજાયો હતો.
ભક્તિ અને પરંપરાનો ત્રિવેણી સંગમ
કપોળ સમાજમાં ધાર્મિક મહોત્સવો અને સામાજિક ઉત્થાનના કાર્યો માટે હરેશભાઈ સંઘવી પરિવાર એક જાણીતું અને આદરણીય નામ છે. સમાજની ગરિમા વધારતા અનેક કાર્યોમાં આ પરિવાર હંમેશા અગ્રેસર રહ્યો છે.ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહેતા હરેશભાઈ સંઘવી પરિવારની આ ભક્તિમય પરંપરાએ ગઇકાલે વિલે પાર્લેના આંગણે વ્રજધામ જેવું વાતાવરણ સજર્યું હતું. અગાઉ કાંદિવલીમાં ભવ્ય સોમયજ્ઞ અને બરસાનામાં પૂજ્ય મોરારી બાપુની રામકથા જેવા ભવ્ય ધાર્મિક આયોજનનો કરતા રહેતા હરેશભાઈ સંઘવી અને તેમના પરિવારે આ પાટોત્સવને પણ યાદગાર બનાવ્યો હતો. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી યમુના મહારાણીના ૨૮મા પાટોત્સવની ભવ્ય ઉજવણી #YamunaMaharani #Patotsav #ReligiousCelebration #IndianCulture #Bhakti #SpiritualVibes #TempleFestival #Devotion pic.twitter.com/8ROigXabrJ
— Kapol Community (@KapolCommunity) March 26, 2026
પદ્મશ્રી હેમંત બ્રજવાસીની સૂરમય પ્રસ્તુતિ
ગઈકાલના ઉત્સવનું મુખ્ય આકર્ષણ વૃંદાવનથી પધારેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી હેમંતજી બ્રજવાસી અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત ‘ભજન સંધ્યા’ હતી. શ્રી યમુનાજીની સ્તુતિ, વ્રજના પદ અને ભક્તિના ભજનોથી હેમંતજીએ શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા. દિવ્ય સ્પંદનો અને મધુર સૂરથી જલારામ હોલ ગુંજી ઉઠ્યો હતો.
ધાર્મિક વિધિઓ અને મનોરથ
યમુના છઠના પવિત્ર દિવસે શ્રી યમુનાજીના ચરણોમાં વિશેષ આરતી અને છપ્પનભોગનો મનોરથ ધરવામાં આવ્યો હતો. પુષ્ટિમાર્ગમાં યમુનાજીને ‘કૃપાની મૂર્તિ’ માનવામાં આવે છે, અને ગઈકાલે ભક્તોએ આ કૃપાનો સાક્ષાત્ અનુભવ કર્યો હતો.

સંઘવી પરિવારનું આતિથ્ય
વીણાબેન અને હરેશભાઈ સંઘવી તેમજ નીલિમાબેન અને નિકુંજ
સંઘવી દ્વારા તમામ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. મોડી રાત સુધી ચાલેલા આ ભક્તિમય ઉત્સવમાં સૌએ પ્રસાદ લઈને વિદાય લીધી હતી.