મુંબઈ (બોરીવલી): આગામી ૧૨ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ બોરીવલીના આંગણે ભક્તિ અને જ્ઞાતિ એકતાનો અનેરો અવસવ ઉજવાશે. શ્રી વેરાઈમાતા ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ દ્વારા હરીતસ ગોત્રીય પારેખ, કોઠારી અને જાંગલા પરિવારના સહયોગથી કુળદેવી શ્રી વેરાઈમાતાના(Verai Mata) સાનિધ્યમાં હોમાત્મક યજ્ઞ અને પારિવારિક સ્નેહ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પરંપરાના જનકનું પુણ્યસ્મરણ
આ પ્રસંગે આધુનિક કપોળ સમાજના(Kapol Samaj) પાયાના પથ્થર અને આ પરંપરાના જનક સ્વ. શ્રી શામજીભાઈ માવજીભાઈ પારેખને યાદ કરવા અનિવાર્ય છે. સાડા સાત દાયકા પહેલાં, જ્યારે મુંબઈ જેવા મહાનગરમાં પરિવારો છૂટાછવાયા વિસ્તારોમાં વસતા હતા, ત્યારે સગોત્રીય કપોળ પરિવારોને એકઠા કરવાના ઉમદા આશયથી તેમણે ચૈત્રી નવરાત્રી દરમિયાન ‘હવન’ અને ‘સ્નેહ સંમેલન’ની શરૂઆત કરી હતી. આજે ૭૫ વર્ષ પછી પણ પારેખ, કોઠારી અને જાંગલા પરિવારો એ જ સંસ્કારોના પાયા પર અડીખમ ઉભા રહી આ વારસાને આગળ ધપાવી રહ્યા છે.
અમરેલી થી મુંબઈ: આસ્થાની અતૂટ કડી
લગભગ પચાસેક વર્ષથી સ્વ. શામજીભાઈના માર્ગદર્શન હેઠળ કાર્યરત રહેલા અને આ પરંપરાને જીવંત રાખનારા ટ્રસ્ટના હાલના પ્રમુખ શ્રી વી.ડી. પારેખે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે :
“શ્રી વેરાઈ માતાનું મૂળ મંદિર અમરેલીમાં આવેલું છે. પરંતુ, મોટાભાગના કપોળ પરિવારો હવે મુંબઈમાં સ્થળાંતરિત થયા હોવાને લીધે એક સુંદર પ્રથા વર્ષોથી કાયમ રહી છે – ચૈત્ર મહિનાની નવરાત્રીમાં હવન મુંબઈમાં યોજવો અને આસો મહિનાની નવરાત્રીમાં અમરેલીમાં હવન યોજવો.“

કાર્યક્રમની વિગત:
- તારીખ: ૧૨ એપ્રિલ ૨૦૨૬, રવિવાર
- સ્થળ: કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ નં. ૩, આર.એમ. ભટ્ટડ માર્ગ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ.
કાર્યક્રમની રૂપરેખા:
- સવારે ૮:૩૦ કલાકે: શાસ્ત્રીજી ગોર હાર્દિકભાઈ અદ્યારૂ (નાલાસોપારા) દ્વારા મંત્રોચ્ચાર સાથે હવનનો પ્રારંભ.
- સાંજે ૪:૩૦ કલાકે: યજ્ઞની પૂર્ણાહુતિ રૂપે શ્રીફળ હોમ વિધિ.
- સાંજે ૫:૩૦ કલાકે: ‘સભા સ્નેહ સંમેલન’, જેમાં જ્ઞાતિના વિવિધ પ્રકલ્પોની ચર્ચા થશે.
- સાંજે ૭:૦૦ કલાકે: તમામ હરિભક્તો અને પરિવારજનો માટે મહાપ્રસાદ.
સેવા અને સહયોગનો મહિમા
આ મહોત્સવની સફળતા માટે વિવિધ સેવાભાવી દાતાઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી વી. ડી. પારેખ અને સમગ્ર સમિતિ દ્વારા તમામ હરીતસ ગોત્રીય પરિવારજનોને આ દિવ્ય પ્રસંગે સહપરિવાર પધારીને માતાજીની રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.