મસ્તક કપાયું પણ ધર્મ ન છોડ્યો… વાંચો મરાઠા સામ્રાજ્યના એ નીડર સિંહની ગાથા, જેણે ૨૭ વર્ષ સુધી મુઘલોને હંફાવ્યા.”
આજે ૧૧ માર્ચ છે. ભારતના ઇતિહાસનો એ દિવસ, જે ‘સ્વરાજ્ય રક્ષક’ , ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજના સર્વોચ્ચ બલિદાનની યાદ અપાવે છે. જેમના બલિદાનથી મુઘલ સલ્તનતના પતનની શરૂઆત થઈ
જે સિંહે (શિવાજી મહારાજ) સ્વરાજ્યનું સ્વપ્ન જોયું હતું, તે સિંહના આ ‘છાવા’ ધર્મવીર’ છત્રપતિ સંભાજી મહારાજ એ પોતાના લોહીથી તે સ્વપ્નને સીંચીને “Jai Bhavani, Jai Shivaji!” “જય ભવાની, જય શિવાજી!” ના નાદ સાથે મુઘલ સલ્તનતનો પાયો હચમચાવી દીધો હતો.
“શું છે આ સ્વરાજ્ય, જેના માટે તમે તમારો જીવ આપવા માંગો છો?” ‘છાવા’ (Chhaava) ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની જે બહાદુરી અને શૌર્ય બતાવવામાં આવ્યું છે, તે જોઈને કોઈપણ ભારતીયનું હૃદય ગૌરવથી ભરાઈ જાય. ફિલ્મમાં તેમના પાત્ર દ્વારા જે નિડરતા રજૂ કરવામાં આવી છે, તે માત્ર સિનેમા નથી પણ ઇતિહાસનું એક જીવંત સત્ય છે.
મરાઠીમાં ‘છાવા’ એટલે સિંહનું બચ્ચું. સંભાજી મહારાજ માત્ર ૨ વર્ષના હતા ત્યારે તેમની માતા સાઈબાઈનું નિધન થયું હતું. તેમનો ઉછેર રાજમાતા જિજાબાઈના માર્ગદર્શન હેઠળ થયો, જેમણે તેમને માત્ર યુદ્ધનીતિ જ નહીં પણ સંસ્કાર અને વિદ્વતાના પાઠ પણ ભણાવ્યા.સંભાજી મહારાજ સંસ્કૃત સહિત ૮ ભાષાઓના જ્ઞાતા હતા.તેમણે ‘બુધભૂષણ’, ‘નાયિકા-ભેદ’ અને ‘નખશિખા’ જેવા અમર ગ્રંથોની રચના કરી હતી.
સંભાજી મહારાજનું સૌથી મોટું ઐતિહાસિક પ્રદાન એ હતું કે તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબને દક્ષિણ ભારતમાં જ અટકાવી રાખ્યો. જો સંભાજી મહારાજે ઔરંગઝેબ સામે હાર માની લીધી હોત, તો ઔરંગઝેબ ફરી ઉત્તર ભારત પર અત્યાચાર કરવા રવાના થયો હોત. મરાઠાઓના આ પ્રતિકારને કારણે ઔરંગઝેબ ૨૭ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં જ અટવાયેલો રહ્યો. આ સમયગાળામાં ઉત્તર ભારતમાં બુંદેલખંડ, પંજાબ અને રાજસ્થાનમાં નવા હિન્દુ રાજ્યો સ્થપાયા અને હિન્દુ સમાજ સુરક્ષિત રહ્યો.
૧૬૮૯માં જ્યારે મુઘલોએ કપટથી તેમની ધરપકડ કરી, ત્યારે ઔરંગઝેબે તેમની સામે ઇસ્લામ સ્વીકારવાની શરત મૂકી. ઔરંગઝેબને એમ હતું કે જો રાજા નમી જશે તો આખું મરાઠા સામ્રાજ્ય નમી જશે. પરંતુ સંભાજી મહારાજે અત્યંત ક્રૂર અને અમાનવીય યાતનાઓ સહન કરી, પણ પોતાનો ધર્મ અને સ્વાભિમાન ન છોડ્યું.ઔરંગઝેબ તેમની આંખમાં આંખ મિલાવવાની હિંમત પણ નહોતો કરી શકતો.૧૧ માર્ચના રોજ તેમની હત્યા કરવામાં આવી, અને તે ક્ષણથી તેઓ સમગ્ર ભારત માટે ‘ધર્મવીર’ બની ગયા.
સંભાજી મહારાજના બલિદાન બાદ તેમના પરિવારે પણ ભારે સંઘર્ષ વેઠ્યો:: પતિના બલિદાન બાદ મહારાણી યેશુબાઈ ,તેમણે હિંમત ન હારી. મુઘલોએ તેમને અને પુત્ર શાહુ મહારાજને ૩૦ વર્ષ સુધી કેદમાં રાખ્યા, છતાં તેઓ મરાઠા શક્તિનું પ્રતીક બની રહ્યા. સંભાજી મહારાજ બાદ છત્રપતિ રાજારામ મહારાજ, તેમણે સ્વરાજ્યની ધુરા સંભાળી અને લડત ચાલુ રાખી.
પિતા-છત્રપતિ શિવાજી મહારાજ : મરાઠા સામ્રાજ્યના સ્થાપક
માતા-સાઈબાઈ ભોસલે : સંભાજી મહારાજ ૨ વર્ષના હતા ત્યારે તેમનું નિધન થયું હતું.
પત્ની- મહારાણી યેશુબાઈ શિરકે: સંભાજી મહારાજ બાદ પ્રખર નેતૃત્વ કર્યું.
પુત્ર- છત્રપતિ શાહુ મહારાજ: ૩૦ વર્ષની મુઘલ કેદ બાદ મુક્ત થઈ મરાઠા સામ્રાજ્ય સંભાળ્યું.
ભાઈ- છત્રપતિ રાજારામ મહારાજ: શિવાજી મહારાજ અને સોયરાબાઈના પુત્ર.
ભાભી-મહારાણી તારાબાઈ: રાજારામ મહારાજના પત્ની, મુઘલો સામે લડનાર કર્તવ્યનિષ્ઠ રાણી.
છત્રપતિ સંભાજી મહારાજના અંતિમ ૪૦ દિવસોની એ હૃદયદ્રાવક છતાં શૌર્યપૂર્ણ સફરને તમે જોઈ શકો છો
સંભાજી મહારાજે નવ વર્ષ સુધી જે રીતે મુઘલ સલ્તનતને હંફાવી અને ઔરંગઝેબના નાકમાં દમ કરી દીધો, તે ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ છે. અંતિમ શ્વાસ સુધી પોતાનો ધર્મ અને સ્વાભિમાન ન છોડવાની તેમની ટેક કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ એક કઠોર અને ગૌરવશાળી સત્ય છે. ઘણી નવલકથાઓ કે ફિલ્મોમાં સોયરાબાઈને ઔરંગઝેબ સાથે મળીને કાવતરું કરતા દર્શાવવામાં આવે છે.
ઇતિહાસકારો સ્પષ્ટપણે માને છે કે આ વાતના કોઈ પુરાવા નથી. તે સમયમાં ગાદી માટે પારિવારિક મતભેદો કે રાજકીય ખેંચતાણ ચોક્કસ હતી, પરંતુ તેને દુશ્મન સાથેના ‘દેશદ્રોહ’ તરીકે ચિતરવી એ લેખકની પોતાની કલ્પના હોઈ શકે છે.
ઐતિહાસિક ફિલ્મો આપણને આપણા ગૌરવશાળી વારસા સાથે જોડે છે, તે પ્રશંસનીય છે. પરંતુ તેને સંપૂર્ણ ઇતિહાસ માનવાની ભૂલ ન કરવી જોઈએ. સાચા અને તથ્ય આધારિત ઇતિહાસ માટે પ્રમાણભૂત પુસ્તકોનો અભ્યાસ આપણને સાચી દિશા આપે છે.