Site icon Kapol Community

Kapol Sahitya:હું કપોળ: વાત માનવતા વિશે કરવી છે, પણ આપ માણસ જેવા લાગો તો ખરા,…

Kapol Sahitya: I want to talk about humanity, but if you look like a human being, right?

Kapol Sahitya: I want to talk about humanity, but if you look like a human being, right?

 The KAPOL COMMUNITY News Desk Kapol Sahitya:હું કપોળ

અમૃત સરિતા

ક્યાંક છાલક ક્યાંક છોળ

શાંતિ પમાડે તેને સંત કહીએ, આવા સંતો જડવા દુર્લભ છે. જીવનમાં સમજણની, જ્ઞાનની વસંત લાવે આવે સંતો ક્યાં સાંપડે? નીતિન વડગામાના પ્રશ્નો વિચારણીય છે.

સમજવા હોય તો પકડે તણખલું રહે શ્રદ્ધાનું,

નરીનકરી સમજથી એમ ક્યાં સમજાય છે સંતો?

હસેબોલે બધાં સાથે બધાંની જેમ પણ અંતે

બધાંથી કોઈ જુદા માર્ગે ફંટાય છે સંતો.

ભૌતિકવાદી ભૂખાળવાપણું એ એકવીસમી સદીની ઓળખાણ છે. ભૂખનો નહિ, તેટલો આ વિકૃતિનો મહિમા વધ્યો છે. ભાનુપ્રસાદ પંડ્યાની ટકોર માર્મિક રીતે વ્યક્ત થઈ છે.

ત્વરાથી ચાલવા તનનું વજન ઓછું કરી નાખો

ખુશીને માણવા મનનું વજન ઓછું કરી નાખો

ગયું તે તો ગયું નથી અસ્તિત્વ કૈ આજે,

સરેલી સૌ ક્ષણેક્ષણનું વજન ઓછું કરી નાખો.

મળે પેલું, ગ્રહી ઝાઝું બધો કોઠાર છલકાવું,

અપેક્ષાના કલેક્શનનું વજન ઓછું કરી નાખો.

કાચના ઘરમાં રહેવા ટેવાયેલો માણસ, સામે રહેતા માણસના ઘર પર પથ્થર ફેંકી શકે? કવિ સુરેશ દલાલે ચોટદાર પંક્તિઓ લખી છે:

પહેલાં પોતાના ચીંથરા પિણાઈએ

પછી બીજાના પોતને તાણીએ.

આપણે જોયો નથી આપણો વાંસો

અને બીજાના ચહેરાની ટીકા

બહારથી ભલેને લાગીએ સોનાના

પણ અંદરથી પિત્તળના સિક્કા.

કોઈ જુઠ્ઠો પણ હોય, કોઈ દંભી પણ હોય

પહેલાં આપણી વાણીને પ્રમાણીએ.

જિંદગીમાં જે પાઠ શીખવા જેવા છે, તેમાં શું કામનું શું નકામું? એક કવિની વાણી માણવા-પ્રમાણવા જેવું છે? અનિલ ચાવડાની આબેહૂબ રજૂઆત જુઓ:

કોઈ ચિઠ્ઠી કામ નહિ આવે, ચબરખી કામ નહિ આવે,

જિંદગીના પાઠમાં પેન્સિલ બટકણી કામ નહિ આવે

ડૂબકી ખુદમાં મારીને પ્રભુને શોધવાના છે,

કોઈ માળાની કે મણકાની ગણતરી કામ નહિ આવે.

આપણા ઘરમાં આપણે અજાણ્યા બની જઈએ કે આપણા પરિવારમાં આપણે અજનબી બની જઈએ, ત્યારે શું થાય? કવિ બકુલ રાવલના શેર યાદ આવે:

 

હું મારી હયાતી નિભાવ્યા કરું છું

સમયની દીવાલે ચણાયા કરું છું

હવે એવી રીતે જીવું છું જીવનને

રમત જાણે ઘરઘરની જોયા કરું છું.

ભર્યુંભાદર્યું ઘરને હું તો અજાણ્યો,

અજબ છે તમાશો; નિહાળ્યા કરું છું.

આપણી માગણીઓ અને એષણાઓનો ક્યાંય અંત દેખાતો નથી. ચીંથરેહાલ પોટલું માથે લઈને ભટકતાં ભીખારી જેવા માણસને જનાબ ખલીલ ધનતેજવી શીખ આપે છે:

વાત માનવતા વિશે કરવી છે, પણ

આપ માણસ જેવા લાગો તો ખરા,

સૌથી અળગા થઈ જવું તો શક્ય છે,

જાતથી પણ દૂર ભાગો તો ખરા

પછી તો ગોપીઓ પણ આવશે,

વાંસળીની જેમ વાગો તો ખરા.

સૌ ખલીલ ઈચ્છાઓ પૂરી થઈ જશે,

પારકાની આશ ત્યાગો તો ખરા.

અને છેલ્લે રોજી રોટી રળવાની લ્હાયમાં વતનની વહાલસોઈ ધરતીને દૂર-સદૂર મૂકી આવ્યા પછી, જે વલોપાત હૈયામાં જાગે, તેને લાલજી કાનપરિયાની કસાયેલી કલમથી માણવાની મજા અનોખી છે:

ખેતરનો શેઢો, લાગે પોતીકો, પારકી લાગે છે ફૂટપાથ,

નગરની જાળમાં એવો ફસાયો કે લીલોછમ્મ છૂટ્યો સંગાથ,

શેતલને કાંઠે એક દેવીની ડેરીએ, શ્રદ્ધાનો પેટાવ્યો દીપ

ખોવાયો મારો ક્યાં અણમોલ ખજાનો : શંખલા, કોડી ને છીપ?

ધૂણિયા મારગ પર ખોવાયેલ પગલાંને ક્યાંથી લાવું હું ગોતી?

કારણમાં એટલું કે મારી આંખ હવે ગ્રામરિયાં સપનાઓ જોતી.

સંપાદન: પ્રો. અશ્વિન મહેતા

 

પરિચય: પ્રાધ્યાપક અશ્વિન મહેતા (બહુમુખી પ્રતિભા ધરાવતા જ્ઞાતિરત્ન)

મુંબઈ: શિક્ષણ, પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રના દિગ્ગજ પ્રાધ્યાપક અશ્વિન મહેતાનો ટૂંકો પરિચય જ્ઞાતિ માટે પ્રેરણારૂપ છે:

શૈક્ષણિક કારકિર્દી: મીઠીબાઈ કોલેજમાં ૩૫ વર્ષ સુધી ગુજરાતી વિભાગના અધ્યક્ષ (HOD) અને પ્રોફેસર તરીકે સેવા આપી નિવૃત્ત થયા. મીઠીબાઈ ડ્રામા એકેડમી અને NM કોલેજ (જર્નાલિઝમ) માં કો-ઓર્ડિનેટર તરીકે પણ સેવાઓ આપી છે.

યુનિવર્સિટી પ્રદાન: મુંબઈ યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ૧૫ વર્ષ અધ્યાપન. બોર્ડ ઓફ સ્ટડીઝ (ગુજરાતી) ના પૂર્વ અધ્યક્ષ અને એકેડેમિક કાઉન્સિલના પૂર્વ સદસ્ય.

મીડિયા & વાણી: આકાશવાણી અને મુંબઈ ટેલિવિઝન પર અનેક ઇન્ટરવ્યુ અને કાર્યક્રમોનું સંચાલન. તેઓ એક કુશળ વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ છે.

સાંસ્કૃતિક સેવા: વિવિધ ભાષાઓમાં સંગીતબદ્ધ ‘વૈદિક વિવાહ’ વિધિનું સંચાલન. સામાજિક અને ધાર્મિક મંચ પર ૨૫૦૦ થી વધુ કાર્યક્રમોમાં સફળ એન્કરિંગ.

લેખન & સંપાદન: ‘કપોળ’ અને ‘કપોળ મિત્ર’માં ૪૦ વર્ષથી લેખન. ‘કપોળ સમાજ દર્પણ’માં ૬ વર્ષ સહતંત્રી તરીકે સેવા આપી અને અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે.

શિક્ષણ અને સંસ્કારના સમન્વય સમાન અશ્વિનભાઈ આજે પણ સાહિત્યિક જગતમાં સક્રિય ફાળો આપી રહ્યા છે.

આયુષ્યના સાત દસકા (૭૩ વર્ષ) પૂર્ણ કર્યા હોવા છતાં તેઓ આજે પણ જાહેર સમારંભોના મંચ-સંચાલક તરીકે સક્રિય છે.

 

 (Disclaimer): આ વિભાગમાં પ્રકાશિત થયેલ લેખ કે સાહિત્યિક કૃતિ સંપૂર્ણપણે આ સામગ્રી લેખક દ્વારા પ્રદાનિત અને તેમના અંગત અભિપ્રાયો છે. ‘કપોળ ન્યૂઝ પોર્ટલ’ આ સામગ્રીની ચોકસાઈ, સંપૂર્ણતા અથવા માન્યતા માટે જવાબદાર નથી. આ લેખના પ્રકાશનનો હેતુ માત્ર જ્ઞાતિના સાહિત્ય અને વ્યક્તિગત સિદ્ધિઓને પ્રોત્સાહન આપવાનો છે, તેનો પોર્ટલની સત્તાવાર નીતિ કે અભિપ્રાય સાથે કોઈ સંબંધ નથીછે

 

લેખકની મૌલિક રચના.

Exit mobile version