The KAPOL COMMUNITY News Desk Kapol Sahitya: હું કપોળ
અમીઝરણાં…
કોને જોડું હાથ? ચરણમાં કોના જઈને પડીએ?
ઉપનિષદના ઋષિ કહે છે: એકમ્ સત્ વિપ્રા બહુધા વદન્તિ… એક જ સત્યને વિદ્વાનો જુદી જુદી રીતે વર્ણવે છે. ભક્ત કવિ નરસૈંયો કહે છે: ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય… રાજેન્દ્ર શાહની તાત્ત્વિક વાણીને સાંભળો: હું જ રહું સહું સંગ વિલસી, હું જ રહું અવશેષે. નવલકથાકાર કવિ ધ્રુવ ભટ્ટ આ વાતને પોતીકી સૂઝ અને સમજણથી આલેખે છે:
હરિ! તને શું સ્મરીએ? આપણે જળમાં જળ સમ રહીએ
વણ બોલ્યે, વણ સાંભળ્યે, પણ મબલખ વાતો કરીએ!
પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી?
હું થી તું અળગો છે એવી વાત કહીંથી સૂઝી?
કોને જોડું હાથ? ચરણમાં કોના જઈને પડીએ? હરિ તને શું સ્મરીએ?
સૂક્ષ્મ અનુભૂતિને કવિનો ઝળહળતો શબ્દ ઝીલી લે છે અને આપણા ભીતરને ઝગમગાટનો અનુભવ કરાવે છે. નિનાદ અઘ્યારુની સંવેદનપટુતા તેમની કલમમાંથી ટપકે છે ત્યારે હૈયાંસોંસરવી ઉતરી જાય છે:
આપને લાગ્યું હશે કે પાંદડું નીકળી ગયું, ઝાડને પૂછો તો કહેશે કાળજું નીકળી ગયું
તારી છતમાં એક–બે તિરાડ છે તો શું થયું? એમનું વિચાર, જેનું છાપરું નીકળી ગયું
એ જ કારણ મોતને વહાલું કર્યું ‘નિનાદ’ મેં, દર્દ આખી જિંદગીનું સામટું નીકળી ગયું.
કવિની વેદના સ્વની મટીને સર્વને આવરી લે છે. કવયિત્રી પૂર્વી બ્રહ્મભટ્ટની આ કાવ્યપંક્તિનો મર્મ ચોટડૂક રીતે નિરૂપાયો છે:
શું આઘાતની ઘેરી દશામાં છતાં કોઈ પૂછે તો કહું છું મજામાં
બીજી એક ટચુકડી કડી સહુની વ્યથાને વાચા આપે છે:
કરી શકો તો કરી બતાવો ને કોરી આંખે રડી બતાવો.
ડો. રમેશ ભટ્ટ-‘રશ્મિ’ની શબ્દપ્રીતિ અને મનુષ્યપ્રીતિ બે જ પંક્તિમાં આલેખાઈ છે:
શબ્દને ચાખી, ચુંમી, ચૂસી શકું છું, તે પછી બે પ્રશ્ન પણ પૂછી શકું છું.
આપ ધરશો હાથ જો આતુરતાથી, તો તરત મારું હૃદય મૂકી શકું છું…
છેલ્લે, પ્રકૃતિની સહજતા અને સરળતાની સામે માણસની સ્વભાવગત વિચિત્રતાને મૃગાંક શાહ માર્મિક રીતે અભિવ્યક્ત કરે છે:
અજવાળું કરવા માટે પૃથ્વીએ સૂર્યનું બિલ ભરવું પડે? પાણી મેળવવા ધરતીએ વાદળની સામે કરગરવું પડે? સુગરીએ માળો બાંધતાં પહેલાં સુધરાઈને મળવું પડે? માછલીએ સ્વિમિંગ શીખવા, સ્વીમીંગ પુલમાં પડવું પડે? બકરીએ માનતા પૂરી કરવા કોઈ ડુંગર પર ચડવું પડે? તો માનવીને જ કેમ એ પોતે જે નથી, એ જ બનવું પડે?!
સંકલન: પ્રો. અશ્વિન મહેતા.
- નિવાસ: વૃંદાવન ટાવર, બી-૧૭૦૩, ૧૭મો માળ, ચીકુવાડી, ફિનિક્સ હોસ્પિટલ પાસે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૯૨.
- મોબાઈલ: ૯૩૨૩૬૩૦૩૬૮
(Disclaimer): આ વિભાગમાં પ્રકાશિત થયેલ લેખ કે સાહિત્યિક કૃતિ સંપૂર્ણપણે આ સામગ્રી લેખક દ્વારા પ્રદાનિત અને તેમના અંગત અભિપ્રાયો છે. ‘કપોળ ન્યૂઝ પોર્ટલ’ આ સામગ્રીની ચોકસાઈ, સંપૂર્ણતા અથવા માન્યતા માટે જવાબદાર નથી. આ લેખના પ્રકાશનનો હેતુ માત્ર જ્ઞાતિના સાહિત્ય અને વ્યક્તિગત સિદ્ધિઓને પ્રોત્સાહન આપવાનો છે, તેનો પોર્ટલની સત્તાવાર નીતિ કે અભિપ્રાય સાથે કોઈ સંબંધ નથી.
