The Kapol Community News Desk
માથેરાન | વિશેષ અહેવાલ
માથેરાનની શીતળ ટેકરીઓ અને પ્રકૃતિના સાનિધ્યમાં દર વર્ષે યોજાતો સાહિત્યિક અને સામાજિક મેળાવડો આ વર્ષે પણ એક અવિસ્મરણીય પર્વ બની રહ્યો. માધવબાગ મંદિરના ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંત ચીતલિયા (ભીખુભાઈ) દ્વારા વર્ષોથી જાળવી રાખવામાં આવેલી આ સુંદર પરંપરા મુજબ, માથેરાન- શ્રીરામ મંદિર સંકુલમાં રામનવમી નિમિત્તે તા. ૨૬-૦૩-૨૦૨૬, ગુરુવારના રોજ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. બે દિવસ સુધી સતત ચાલેલા આ ભક્તિમય ઉત્સવમાં રામલલ્લાના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાવિક ભક્તોએ પ્રભુને પારણે ઝુલાવી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મધુર ભજન-કીર્તન અને મંગળ આરતીના ગુંજારવથી સમગ્ર મંદિર પરિસર અને માથેરાનની ટેકરીઓ ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. આ પ્રસંગે સાહિત્યિક અને સામાજિક જગતના અનેક દિગ્ગજોએ ઉપસ્થિત રહીને આ પરંપરાને એક યાદગાર સંભારણું બનાવી દીધું હતું.
માથેરાનના શ્રીરામ મંદિર સંકુલમાં યોજાતો આ કાર્યક્રમ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ વિવિધ ક્ષેત્રના વિદ્વાનો અને મહાનુભાવો માટે એકબીજાને મળવાનું અને વિચારોના આદાન-પ્રદાનનું એક સશક્ત માધ્યમ બની ગયું છે. મુંબઈ, ગુજરાત અને દિલ્હીથી પધારેલા પ્રસિદ્ધ લેખકો, કવિઓ, કલાકારો અને ચિંતકોએ પોતાની હાજરીથી વાતાવરણને વૈચારિક ઊંચાઈ બક્ષી હતી. નામાંકિત ઉદ્યોગપતિઓ, પત્રકારો, તંત્રીઓ, કલાકારો અને વહીવટી અધિકારીઓએ એકસાથે મળીને સામાજિક ઉત્તરદાયિત્વના દર્શન કરાવ્યા હતાં.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કલાકારો, ગાયકો અને અભિનેતાઓની હાજરી શ્રીરામ જન્મોત્સવની ભક્તિમય ઉજવણી સાથે સાહિત્યિક ગોષ્ઠી અને કલાના સથવારે આ કાર્યક્રમે સૌના દિલ જીતી લીધા હતા. માધવબાગ મંદિરના ટ્રસ્ટી અને જાણીતા ઉદારદિલ દાતા, યજમાનશ્રી ભીખુભાઈ ચીતલિયાની ઉદારતા અને મહેમાનગતિએ આ પરંપરાને જીવંત રાખી છે. મહેમાનોના આગમનથી લઈને તેમના રોકાણ અને ભોજન સુધીની સૂક્ષ્મ વ્યવસ્થાઓ એ બાબતની પ્રતીતિ કરાવે છે કે શા માટે આ મેળાવડો દર વર્ષે વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યો છે.




મહેમાનો માટે શાહી વ્યવસ્થા
યજમાન શ્રી ભીખુભાઈએ મહેમાનોની સુવિધામાં કોઈ કમી રાખી નહોતી:
પરિવહન: આમંત્રિતોને ઘરેથી માથેરાન સુધી લાવવા-લઈ જવા માટે ખાસ ગાડી અને ડ્રાઈવરની સુવિધા હતી, જ્યારે બહારગામના મહેમાનો માટે એરપોર્ટ સુધી વાહનોની ગોઠવણ કરાઈ હતી.
ઇકો–ફ્રેન્ડલી સ્વાગત: માથેરાન વાહન-મુક્ત ઝોન હોવાથી, મહેમાનોને હોટલ સુધી પહોંચાડવા માટે ખાસ ઈ–રિક્ષા અને કૂલી તૈનાત રખાયા હતા.
રાજવી ઉતારો: અદામો રિસોર્ટ અને સુપ્રસિદ્ધ રીગલ હોટલ જેવી શ્રેષ્ઠ જગ્યાએ મહેમાનોના આરામદાયક રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સ્વાદ અને સત્સંગની મિજબાની
આગમન સાથે જ મહેમાનોનું સ્વાગત ચા-કોફી અને ગરમાગરમ નાસ્તાથી થયું. બપોરે સ્વાદિષ્ટ ભોજન બાદ સાંજે ફરી મિત્ર-મંડળ સાથે ગપ્પા-ગોષ્ઠીનો દોર જામ્યો હતો. ખુલ્લા આકાશ નીચે મોડી રાત સુધી ચાલેલી આ આત્મીય બેઠકમાં ક્યારે સવાર પડી ગઈ તેની ખબર પણ ના રહી. બે દિવસ સુધી સતત ચાલેલા આ ભક્તિમય ઉત્સવમાં રામલલ્લાના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાવિક ભક્તોએ પ્રભુને પારણે ઝુલાવી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મધુર ભજન-કીર્તન અને મંગળ આરતીના ગુંજારવથી સમગ્ર મંદિર પરિસર અને માથેરાનની ટેકરીઓ ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી.
ભક્તિમય રામ જન્મોત્સવ
બીજા દિવસે સવારે, સૌ આમંત્રિતો ખાસ તૈયાર કરાવેલ ખેસ અને ટોપી ધારણ કરીને મંદિર પરિસરમાં એકઠા થયા હતા.
મનોહર સજાવટ: પુષ્પમાળા, દીવાઓ અને આકર્ષક રંગોળીથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું.
સ્વરધારા: રેખાબેન ત્રિવેદી અને શ્રદ્ધા શ્રીધરાણીના મધુર કંઠે ગવાયેલા ભક્તિ ગીતો તથા સ્થાનિક ભજન મંડળીના કીર્તનોએ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
પ્રભુ પ્રાગટ્ય: મંગળ મુહૂર્તે પ્રભુ શ્રીરામનું પ્રાગટ્ય થયું અને ધામધૂમથી લાલાને પારણામાં પધરાવવામાં આવ્યા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પારણું ઝૂલાવીને ધન્યતા અનુભવી હતી.
સાહિત્ય, પત્રકારત્વ, કવિતા અને સંગીત, વિજ્ઞાન, તબીબી અને સામાજિક મહાનુભાવોનો મહામેળાવડો
આ પાવન પ્રસંગે ટ્રસ્ટીઓ શ્રી કૃષ્ણકાંત ચીતલિયા (ભીખુભાઈ), શ્રી મહેશભાઈ શાહ, શ્રી જતીનભાઈ પારેખ, શ્રી નિતીનભાઈ ઠક્કર, તેજસ શ્રોફ, સાથે ગુજરાતના પૂર્વ વરિષ્ઠ IAS અધિકારી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા, પ્રેરક વક્તા શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ, જય વસાવડા, વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી શ્રી જેજે રાવલ, ડૉ. પ્રકાશ કોઠારી, ડૉ. સુરેન્દ્ર મહેતા, ડૉ. સાંઘાણી, લાલુભાઈ મહેતા, રૂપા બાવરી, જન્મભૂમિ ગ્રૂપના વરિષ્ઠ તંત્રી શ્રી કુંદનભાઈ વ્યાસ, કપોળ સમાજ દર્પણના તંત્રી શ્રીમતી નીલાબેન સંઘવી, કપોળ અને કપોળ મિત્રના તંત્રીશ્રી ગોપાળભાઈ પારેખ, કટાર લેખક ધર્મેશ વકીલ, શ્રીમતી મંજરી અને શ્રી સ્નેહલ મઝૂમદાર, ઉદયન ઠક્કર, ડૉ. હેમેન શાહ, જવાહર બક્ષી, મુકેશ જોષી, હિતેન આનંદપરા જેવા પ્રખ્યાત કવિઓ, દીપક ઘીવાલા અને રાગીણી, ટીકુ તલસાણીયા, અરવિંદભાઈ વેકરીયા, દિલીપ રાવલ, ઉત્કર્ષ મઝુમદાર, રાજુલ દિવાન, પરાગ શાહ જેવા અભિનેતાઓ, મુરબ્બી શ્રી લલીતભાઈ શાહ, ઉદય મઝુમદાર જેવા સંગીતકાર અને રેખા ત્રિવેદી, શ્રદ્ધા શ્રીધરાણી અને ચેતન ગઢવી જેવા ગાયકો, કોરિઓગ્રાફર હેતલ જોશી, હિતેન દલાલ, કુમાર શાહ, કીર્તિદાન, ડેન્ટિસ્ટ ડૉ. દીપક મહેતા, ભાવનગરથી આવેલા શ્રી મનસુખભાઈ, કિરીટભાઈ રાઠોડ, અશ્વિનભાઈ પંડ્યા અને રાજન દેસાઈ તથા કપોળ આનંદ મંગળ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ભરત સંઘવી તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને જન્મોત્સવને ચાર ચાંદ લગાવી દીધા હતા.
પ્રસાદ અને આરોગ્ય દર્શન
ભારે ભીડ વચ્ચે સૌએ ગર્ભગૃહમાં ભગવાનની દિવ્ય ઉર્જા અને આશીર્વાદ સાથે દર્શન, આશકા અને પ્રસાદ ગ્રહણ કરવાનો લ્હાવો લીધો. પ્રસાદ તરીકે પવિત્ર પંજરી અને પંચામૃતનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમાનોએ મંદિર પરિસરમાં આવેલા આરોગ્ય ભુવનની મુલાકાત લઈ ત્યાંની આધુનિક સુવિધાઓ અને સેવાઓ નિહાળી ભીખુભાઈના સેવાકાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
વિશેષ પૂરક માહિતી : લેખક અને સમાજસેવક ભરત સંઘવી ‘તિમિર
‘કપોળ કમ્યુનિટી ન્યૂઝ‘ (Kapol Community News) માત્ર માહિતીના પ્રસારણનું માધ્યમ છે “આ અહેવાલમાં રજૂ કરવામાં આવેલી વિગતો કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા માહિતીકર્તા દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. આ લેખનો હેતુ માત્ર સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓની જાણકારી આપવાનો છે. કોઈ પણ ક્ષતિ કે ફેરફાર માટે લેખક અથવા પ્રકાશક જવાબદાર રહેશે નહીં.”
Join Our WhatsApp Channel