વાંચો અને વંચાવો! આપણે સૌ વાંચનનો નવો અધ્યાય શરૂ કરીએ! “પુસ્તક એ શ્રેષ્ઠ મિત્ર છે.
દર વર્ષે ૨૩મી એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પુસ્તક દિવસ’ ઉજવવામાં આવે છે. પુસ્તક એ માત્ર કાગળ પર છપાયેલા અક્ષરો નથી, પણ તે મનુષ્યના વિચારો, અનુભવો અને સંવેદનાઓનો જીવંત દસ્તાવેજ છે.આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના ઘોંઘાટ વચ્ચે પુસ્તક જ એક એવો મિત્ર છે જે એકાંતમાં પણ આપણને એકલતા નથી અનુભવવા દેતું. પુસ્તકો આપણને ઇતિહાસ શીખવે છે, વર્તમાનને સમજાવે છે અને ભવિષ્ય માટે તૈયાર કરે છે. જે પ્રજામાં પુસ્તકો વંચાય છે, તે પ્રજાનું માનસિક અને સામાજિક સ્તર હંમેશા ઊંચું રહે છે.
લેખક અને પ્રકાશકની મહેનત પર પાણી ફેરવતો એક મોટો વર્ગ માર્કેટમાં છે, જે પુસ્તકની પીડીએફ મફતમાં મેળવીને ફેરવતો રહે છે. આ કોપીરાઇટનો ભંગ છે અને લેખક-પ્રકાશકના આર્થિક હિતની સાથે સરસ્વતીનું પણ અપમાન છે.
2024-25ના એક વર્ષમાં એકલા અમેરિકામાં અંદાજે 75 કરોડ પુસ્તકો છપાયાં હતાં. અમેરિકા નંબર વન છે.
કુલ પુસ્તક વેચાણમાં આજેય પ્રિન્ટેડ એટલે કે હાર્ડ કોપીનો ફાળો 70% છે. આ ફાળો સતત વધતો જાય છે.
વિશ્વભરમાં પુસ્તકની હાર્ડ કોપી મેળવીને વાંચનારાની સંખ્યા 2030 સુધીમાં 2 અબજ થવાની ધારણા છે
2025માં ભારતે વર્ષે 90,000 નવાં પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. પુસ્તક પ્રગટ કરવાની બાબતમાં ભારત વિશ્વમાં 10મા ક્રમે છે.
ચીન 1.02 લાખ પુસ્તકો સાથે પ્રથમ ક્રમે છે.
2025ના વર્ષમાં સમગ્ર વિશ્વનું પુસ્તક વેચાણ માર્કેટ 150 અબજ ડોલરના આંકડે પહોંચ્યું હતું.
પહેલા પુસ્તક છાપવામાં મહિનાઓ લાગતા, પણ હવે ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’ની સુવિધાથી ઓર્ડર મળતા જ બે-ચાર દિવસમાં કે અમુક કલાકોમાં પુસ્તક તૈયાર થઈ જાય છે. સેલ્ફ પબ્લિશિંગની સુવિધા પણ વધી છે, જેમાં એમેઝોન જેવી વેબસાઇટ વિનામૂલ્યે સુવિધા આપે છે.ભારતમાં લગભગ 1 લાખ કરોડનાં પુસ્તકો છપાયાં-વેચાયાં છે.
ડિજિટલ દુશ્મન નહીં, દોસ્ત, ડિજિટલાઇઝેશનને કારણે પુસ્તકોનું વેચાણ ઘટવાને બદલે વધ્યું છે. ઓનલાઇન સાઇટ્સ દ્વારા પુસ્તકો આસાનીથી મળી રહે છે. ભાવનગરના ‘પુસ્તક સાથી’ જેવા વિક્રેતાઓ આખા ગુજરાતમાં ઓનલાઇન પુસ્તકો પહોંચાડે છે.
ઈ-બુક કરતા હવે ઓડિયો બુકનો ક્રેઝ વધ્યો છે. લોકો મુસાફરી દરમિયાન પુસ્તકો સાંભળવાનું પસંદ કરે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને કારણે ઓડિયો બુક બનાવવાનું કામ સરળ બન્યું છે.
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ મુજબ સરેરાશ અમેરિકન વર્ષે 17 પુસ્તકો વાંચે છે. બીજી તરફ આઈસલેન્ડમાં વસ્તીના 10% લોકો લેખકો છે, જે વસ્તીના પ્રમાણે સૌથી વધુ લેખકો ધરાવતો દેશ છે.