Home Newsહું કપોળWorld Book Day: ૨૩મી એપ્રિલના ‘વિશ્વ પુસ્તક દિવસ’ જે પુસ્તક આપે છે, તે મસ્તક આપે છે !
World Book Day: The book that gives, on April 23rd, gives the mind!

World Book Day: ૨૩મી એપ્રિલના ‘વિશ્વ પુસ્તક દિવસ’ જે પુસ્તક આપે છે, તે મસ્તક આપે છે !

World Book Day: ત્રણ ચીજો પ્રગટે છે: એક દીવો, બીજું પુસ્તક અને ત્રીજા ઈશ્વર..

by Akash Rajbhar

દર વર્ષે ૨૩મી એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પુસ્તક દિવસ’ ઉજવવામાં આવે છે. પુસ્તક એ માત્ર કાગળ પર છપાયેલા અક્ષરો નથી, પણ તે મનુષ્યના વિચારો, અનુભવો અને સંવેદનાઓનો જીવંત દસ્તાવેજ છે.આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના ઘોંઘાટ વચ્ચે પુસ્તક જ એક એવો મિત્ર છે જે એકાંતમાં પણ આપણને એકલતા નથી અનુભવવા દેતું. પુસ્તકો આપણને ઇતિહાસ શીખવે છે, વર્તમાનને સમજાવે છે અને ભવિષ્ય માટે તૈયાર કરે છે. જે પ્રજામાં પુસ્તકો વંચાય છે, તે પ્રજાનું માનસિક અને સામાજિક સ્તર હંમેશા ઊંચું રહે છે.

World Book Day: The book that gives, on April 23rd, gives the mind!

પ્રસ્તુતિપ્રોઅશ્વિન મહેતા

The KAPOL COMMUNITY News Desk Kapol Sahitya: હું કપોળ 23.4.2026

અમીઝરણાં

બુંદ સમાયે સમંદર મેંયે જાને સબ કોય

પર સમંદર સમાયે બુંદ મેંયે વિરલા જાને કોય!

એક વિચારકે કહ્યું હતું ત્રણ ચીજો પ્રગટે છે એક દીવોબીજું પુસ્તક અને ત્રીજા ઈશ્વર ઈશ્વર તો કરોડોમાંથી એકાદ આગળ પ્રગટ થાય, નહીં તો જન્માંતરો વીતી જાય, આત્મસાક્ષાત્કારની ક્ષણ કોઈ સંત, સતી, સૂફી, ઓલિયા, ફકીરના નસીબમાં જ હોય.

પૂ. મોરારિબાપુએ એક પુસ્તક-વિમોચનના સમારંભમાં કહ્યું હતું જે પુસ્તક આપે છેતે પ્રજાને પોતાનું મસ્તક આપે છે!

થોડા સમય પહેલાં કવિ ભાગ્યેશ જહાના કાવ્ય સંગ્રહનું પ્રકાશન થયું ત્યારે તેમણે કહ્યું હતું : એક કાવ્ય સંગ્રહનું પ્રગટવું એટલે બોમ્બને બદલે કળીના ફૂટવાનો અવાજ સાંભળવોએક કાવ્ય સંગ્રહ પ્રગટે છે ત્યારે મારી ભાષાનો તડકો તમને ચૂપચાપ હૂંફ આપે છે.

કવયિત્રી સોનલ પરીખના કાવ્ય સંગ્રહના લોકાર્પણ વખતે તેમણે કહ્યું : કવિતા એટલે દિશાઓનું ઊઘડવું ને આકાશમાં એક કેડીનું રચાવું.

 થોડા સમય પહેલાં જેલમાં પુરાયેલા કેદીઓએ લખેલી કવિતાઓનો સંગ્રહ પ્રસિદ્ધ થયો : ‘કારાગૃહમાં કલરવ…’ એક કેદીએ લખેલી પંક્તિ વાંચી :

સમાજનો કાદવ લઈને આવ્યો હતો જેલમાં,

કમળ બનીને જઈ રહ્યો છું સંસારી જેલમાં

આમ વિશ્વ તરફ ઊઘડતી જ્ઞાનની બારી સમા પુસ્તકોનું સ્વાગત કરવાનો ઉમળકો જ્યાં સુધી શમ્યો નથી ત્યાં સુધી આપણી પ્રજાના માનસિક આરોગ્યની ચિંતા કરવા જેવી નથી. લેપટોપ ઈન્ટરનેટ અને ઈ-બુકના જમાનામાં પુસ્તકમાં છપાયેલા શબ્દનો મહિમા લગીરે ઓછો ન થાય એવી સરસ્વતી-પ્રાર્થના જરાય અજુગતી નથી લાગતી.

વિદેશની યુનિવર્સિટીમાં થોડા સમય પહેલાં ત્રણ વાક્યો પ્રચલિત હતાં :

Publish and Perish

Publish or Perish

Publish to Perish

લેખન-પ્રકાશન કરો અને નાશ પામો, લખીને પ્રકાશિત કરો અથવા વિનષ્ટ થાઓ, છેવટે નષ્ટ-વિનષ્ટ થવા માટે લખો અને છપાવો.

જ્ઞાનનો અગાધ સમુદ્ર ગ્રંથના બુંદમાં સમાઈ જાય છે એ હકીકતને કેમ ભૂલાય? કબીર સાહેબે વાત કરી હતી જીવ અને શિવની એકતાની, અહીં થોડો સંદર્ભ બદલીને વાત મૂકીએ.

બુંદ સમાયે સમંદર મેંયે જાને સબ કોય

પર સમંદર સમાયે બુંદ મેંયે વિરલા જાને કોય!

ફ્રાન્સિસ બેંકનની સલાહ યાદ આવે છે :

Some books are to be chewed,

 Some books are to be swallowed,

 but some books are to be digested.

કેટલાંક પુસ્તકો વાંચીને મમળાવવાં જેવાં, કેટલાંક ગટગટાવી જવા જેવાં, તો કેટલાંક પુસ્તકો વાંચી-વિચારીને હજમ કરવા જેવાં હોય છે. જિંદગીમાં ક્યારેય દગાખોરી ન કરે એવાં ઉમદા મિત્રોની ગરજ સારે છે પુસ્તકો! ગ્રંથાલયનો મહિમા સુરાલય અને શિવાલયથી ચડિયાતો હોઈ શકે અને છેલ્લે, આજકાલ આડેધડ છપાતાં પુસ્તકો કોણ અને ક્યારે વાંચે છે? અખબારોમાં પુસ્તકના ફ્લેપ વાંચીને ‘છાપાળવી સમીક્ષા’ લખનારા કહેવાતા વિવેચકોને ઉદ્દેશીને હિન્દીભાષી કવિ અજ્ઞેયજીએ કરેલો વેધક કટાક્ષ કેવો માર્મિક છે.

શામ સાત બજે મંત્રીને પુસ્તક વિમોચી

સુબહ  બજે અખબારને આલોચી

પ્રકાશક પ્રસન્ન હુઆ,

 લેખક ભી ધન્ય હુઆ

દુઃખ યહી કી કિસીને પઢને કી નહીં સોચી!!

Compiled by Prof. Ashwin Mehta.

સંપાદનપ્રોઅશ્વિન મહેતા

  • પ્રો. અશ્વિન મહેતા
  • નિવાસ: વૃંદાવન ટાવર, બી-૧૭૦૩, ૧૭મો માળ, ચીકુવાડી, ફિનિક્સ હોસ્પિટલ પાસે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૯૨.
  • મોબાઈલ: ૯૩૨૩૬૩૦૩૬૮

(Disclaimer): આ વિભાગમાં પ્રકાશિત થયેલ લેખ કે સાહિત્યિક કૃતિ સંપૂર્ણપણે આ સામગ્રી લેખક દ્વારા પ્રદાનિત અને તેમના અંગત અભિપ્રાયો છે. ‘કપોળ ન્યૂઝ પોર્ટલ’ આ સામગ્રીની ચોકસાઈ, સંપૂર્ણતા અથવા માન્યતા માટે જવાબદાર નથી. આ લેખના પ્રકાશનનો હેતુ માત્ર જ્ઞાતિના સાહિત્ય અને વ્યક્તિગત સિદ્ધિઓને પ્રોત્સાહન આપવાનો છે, તેનો પોર્ટલની સત્તાવાર નીતિ કે અભિપ્રાય સાથે કોઈ સંબંધ નથી.

Join Our WhatsApp Channel

Related Posts

Leave a Comment