Home Newsહું કપોળGujarati Poetry: કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘરને મારું ઘર થવા દે.
Kapol Sahitya Gujarati Inspirational Poetry on Love, Humanity & Peace

Gujarati Poetry: કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘરને મારું ઘર થવા દે.

Gujarati Poetry:  ઘણી મહેનત કરી છે જિંદગીભર...,

by Akash Rajbhar

અમીઝરણાં

હવે પરસેવાને અત્તર થવા દે

જગતમાં ક્યાંક છમકલાં થાય છે તો ક્યાંક યુદ્ધના અગનગોળાઓ વરસી રહ્યાં છે. ત્રીજા વિશ્વયુદ્ધનો પલીતો ક્યારે-કોણ ચાંપી દેશે એની દહેશત જાગે છે, ત્યારે રમેશ પટેલની પંક્તિઓનો મર્મ સમજાય છેઃ

નફરતોનું યુદ્ધ કોજીત્યું નથી, વિશ્વમાં એવું કોઈ લશ્કર નથી.

જગતમાં ઝેર પેદા ના કરો, વિશ્વ આખામાં કોઈ શંકર નથી.

 માણસને ચાહવાનું માણસ ભૂલી ગયો છે, એમાંથી ખુન્નસભરી ખૂનામરકી અને જીવલેણ ઝંઝાવાતો ચોમેર ચાલી રહ્યાં છે. દિલીપ ધોળકિયા ‘શ્યામ”ની સૂચના સરવા કાને સાંભળોઃ

ધરીને હાથ ઉપર હાથ બેસી શું થશે બોલો? હવે બસ બાવડાનાં બળથી કામે લાગવું પડશે.

હશે અંધાર ઓઢી જીવતાં કંઈ કેટલાં માણસ? જલાવી દીપ કોઈ આંગણું અજવાળવું પડશે.

રડે છે ભાગ્ય કારણ જે જગે એની વ્યથા સુધી, દુઃખીને કાજ આંસુ આંખથી બસ સારવું પડશે.

જગતને ચાહવાની વાત પછી, પહેલાં એકાદ વ્યક્તિને સમર્પણશીલતાથી ચાહી જુઓઃ કવયિત્રી મિતા ગોર મેવાડા એટલે જ કહે છેઃ

મેં પ્રેમથી કરેલા સમર્પણને સમજી લે, દુનિયામાં એવા કોણ સમજદાર હોય છે?

ઘાયલ થવું ભલે ગમે છે એમનાથી પણ, મારા અહમનો ત્યાં થતો શિકાર હોય છે.

સામસામા બેસીને સમાધાન સરળતાથી થાય છે. કવયિત્રી શબનમ ખોજાએ આ વાત કેવી સલૂકાઈથી કરી છેઃ

વાત સુધરી શકે, વાત જો થાય તો, આટલી વાત બન્નેને સમજાય તો.. પ્રે

મમાં ઊંડા ઉતરો પછી ભય રહે, હો ગળાડૂબ ને શ્વાસ રુંધાય તો?

રોમાન્સની ક્ષણ કેટલી રળિયામણી હોય છે! અંજના ગોસ્વામીએ આ વાત કેવી નજાકતથી કરી છે:

શું કહું કે કેટલું સારું થયું છે, ભીડની વચ્ચે કોઈ મારું થયું છે.

જે ક્ષણે નજરું મળીતી એમની બસ, ઘડીથી સપનું સહિયારું થયું છે.

કવિ ગૌરાંગ ઠાકરની મૂંઝવણ એમની એકલાની નથી, બધાંની છેઃ

સાફ સૂથરું નથી લખાતું દોસ્ત, કોના જીવનમાં છેકછાક નથી?

ખલીલ ધનતેજવીની વાત એ સાર્વજનિક અનુભવ છેઃ

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘરને મારું ઘર થવા દે.

ઘણી મહેનત કરી છે જિંદગીભર…, હવે પરસેવાને અત્તર થવા દે

છેલ્લે નાઝિર સાહેબને દાદ દઈને અટકીએઃ

કસોટી પર તો નાઝિર છું ફક્ત એક કાચનો કટકો,

ખુદાની મહેરબાની છે કે કોહિનૂર લાગું છું

સંકલન: પ્રો. અશ્વિન મહેતા

  • નિવાસ: વૃંદાવન ટાવર, બી-૧૭૦૩, ૧૭મો માળ, ચીકુવાડી, ફિનિક્સ હોસ્પિટલ પાસે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૯૨.
  • મોબાઈલ: ૯૩૨૩૬૩૦૩૬૮

(Disclaimer): આ વિભાગમાં પ્રકાશિત થયેલ લેખ કે સાહિત્યિક કૃતિ સંપૂર્ણપણે આ સામગ્રી લેખક દ્વારા પ્રદાનિત અને તેમના અંગત અભિપ્રાયો છે. ‘કપોળ ન્યૂઝ પોર્ટલ’ આ સામગ્રીની ચોકસાઈ, સંપૂર્ણતા અથવા માન્યતા માટે જવાબદાર નથી. આ લેખના પ્રકાશનનો હેતુ માત્ર જ્ઞાતિના સાહિત્ય અને વ્યક્તિગત સિદ્ધિઓને પ્રોત્સાહન આપવાનો છે, તેનો પોર્ટલની સત્તાવાર નીતિ કે અભિપ્રાય સાથે કોઈ સંબંધ નથીછે

Join Our WhatsApp Channel

Related Posts

Leave a Comment