Home Newsહું કપોળKapol Sahitya:ચાલો, સૌ ભેગા મળી ભગવાનના વારસ બની જઈએ શરત બસ એટલી કે સૌ પ્રથમ માણસ બની જઈએ
Kapol Sahitya: Let's all come together and become the heirs of God. The only condition is that we first become human beings.

Kapol Sahitya:ચાલો, સૌ ભેગા મળી ભગવાનના વારસ બની જઈએ શરત બસ એટલી કે સૌ પ્રથમ માણસ બની જઈએ

by Janvi Soni

The KAPOL COMMUNITY News Desk Kapol Sahitya: હું કપોળ 21.4.2026

અમૃતસરિતા

પોથી બગલમાં જોઈને ભરમાઈ ના જતા

ઈશ્વર છે? કે માણસની કલ્પના છે? જગતનો સર્જનહાર કોણ, સંચાલક કોણ? કે પછી આ માત્ર અકસ્માતથી જ દુનિયા થઈ?  મરઘી પહેલી કે ઇંડું? તર્કશાસ્ત્રીઓની આ તરંગલીલાને બાજુએ મૂકી દઈએ. કવિઓ અને ચિંતકોની દ્રસ્ટિએ આ કોયડાને માણવાની મઝા અનેરી છે. સાથે સાથે, ભગવાનને નામે ચાલતા તૂત-તરકટ-કપટની લીલા પર વિચારકોએ વીંઝેલા ચાબખા ચિંતન પ્રેરક છે.

બીજાને છેતરતાં પહેલાં જાતને છેતરવી પડે છે. આત્મવંચના આપણા જ અજ્ઞાનની પેદાશ છે. જનાબ કુતુબ આઝાદનો આગવો અંદાજ જુઓઃ

નિતનવા નવા પ્રપંચો માણસ અહીં કરે છે

ઈશ્વરને માનનારા ઈશ્વરને છેતરે છે!

ધર્મ-મઝહબ-ઈશ્વર-અલ્લાહના નામને વટાવી ખાનારાઓની જમાત મોટી થતી જાય છે. પ્રજાને ભયભીત કરીને, લાલચનાં ગાજર-મૂળા બતાવીને પોતાની હાટડી ધમધોકાર ચલાવતાં કહેવાતા બાવાઓ-બગભગતો અને ધધુપપૂઓ પર અમૃત ઘાયલે ચમચમતો ચાબખો ફટકાર્યો છેઃ

પોથી બગલમાં જોઈને ભરમાઈ ના જતા,

પાખંડીઓ ફરે છે અહીં પુરાણીના સ્વાંગમાં!

ક્યાંક વિદ્રોહ, ક્યાંક વ્યંગ તો ક્યાંક ચેતવણીની લાલબત્તી કવિતાની પંક્તિમાં ઝિલાઈ છે. ડો. રશ્મિકાંત શાહની રજૂઆતમાં મૂંગી ચીસ સંભળાય છેઃ

ખુદા નામે રોજ નવા અહીં ફતવા નીકળે,

રામનામે રોજ લોક અહીં છળવા નીકળે

રાજકારણ અને ધર્મની ઝેરીલી ભેળસેળની સાથે અંધશ્રદ્ધાના આંધણ મૂકાય, ત્યારે રાઝનવસારવીના શેરનો મર્મ પામી શકાયઃ

આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા

કાલે બની જવાના ઈશ્વર નવા નવા

વીસમી સદીના આરંભે જર્મન ફિલસૂફ નિત્શેએ ગર્જના કરી હતી: God is Dead. કાર્લ માર્કસે ધર્મને અફીણના નશા સાથે સરખાવ્યો હતો. ફ્રેન્ચ કવિ બોદલેરે ખોંખારીને કહ્યું હતું:

 It is easy to believe in God, but difficult to follow him. It is difficult to believe in Devil, but easy to follow him.

હજારો વર્ષ પહેલાં વેદ વ્યાસ મુનિએ મહાભારતમાં દુર્યોધનની દુવિધાને વાચા આપી હતીઃ

જાનામી ધર્મમ્, મે પ્રવૃત્તિઃ જાનામિ અધર્મમ્ મે નિવૃત્તિઃ

(ધર્મને જાણવા છતાં તેનું અનુસરણ નથી થતું અને અધર્મને ઓળખવા છતાં તેનું આચરણ કરીએ છીએ.)

માનવજાતને લલાટે લખાયેલી આ કેવી વિચિત્ર નિયતિ છે?! ભગવાનોની ભૂલભૂલામણીમાં અટવાયેલી માનવજાત પર જનોઈવઢ ઘા કરે એવી વાત એક વિચારકે કહી છેઃ

I have collected so many gods around me, because I believed in none!

છેલ્લે, કવિ મિત્ર હિતેન આનંદપરાએ આપેલી આ સોનેરી શિખામણ કાને ધરીએ:

ચાલો, સૌ ભેગા મળી ભગવાનના વારસ બની જઈએ

શરત બસ એટલી કે સૌ પ્રથમ માણસ બની જઈએ.

 સંપાદન: પ્રો. અશ્વિન મહેતા

  • પ્રો. અશ્વિન મહેતા
  • નિવાસ: વૃંદાવન ટાવર, બી-૧૭૦૩, ૧૭મો માળ, ચીકુવાડી, ફિનિક્સ હોસ્પિટલ પાસે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૯૨.
  • મોબાઈલ: ૯૩૨૩૬૩૦૩૬૮

 (Disclaimer): આ વિભાગમાં પ્રકાશિત થયેલ લેખ કે સાહિત્યિક કૃતિ સંપૂર્ણપણે આ સામગ્રી લેખક દ્વારા પ્રદાનિત અને તેમના અંગત અભિપ્રાયો છે. ‘કપોળ ન્યૂઝ પોર્ટલ’ આ સામગ્રીની ચોકસાઈ, સંપૂર્ણતા અથવા માન્યતા માટે જવાબદાર નથી. આ લેખના પ્રકાશનનો હેતુ માત્ર જ્ઞાતિના સાહિત્ય અને વ્યક્તિગત સિદ્ધિઓને પ્રોત્સાહન આપવાનો છે, તેનો પોર્ટલની સત્તાવાર નીતિ કે અભિપ્રાય સાથે કોઈ સંબંધ નથીછે

Join Our WhatsApp Channel

Related Posts

Leave a Comment